એમ્બ્યુલન્સ સમયસર ના પહોંચતા કોરોનાના દર્દીનું મોત, મ્યુ. કમિશનરે પરિવારની માફી માગી
કોરોના વાયરસ કાળમાં હેલ્થ વર્કર્સ, ડૉક્ટરો, પોલીસ અને સરકાર સતત કામ કરી રહ્યા છે. પરંતુ એવા ઘણા કિસ્સા સામે આવ્યા છે જ્યાં આ કોરોના સામે લડવાની કામગીરી કરતાં લોકોની બેદરકારી સામે આવી હોય. આવો જ એક કિસ્સો બેંગાલુરુમાં સામે આવ્યો છે. જ્યાં એમ્બ્યુલન્સ સમયસર ના પહોંચતા કોરોનાના એક દર્દીનું રોડ પર જ મોત થયું. જે બાદ મ્યુનિસિપલ કમિશનરે મૃતકના ઘરે જઈને પરિવારની માફી માગી હતી.
હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો
મૃતકની પત્નીના જણાવ્યા અનુસાર, તેમના પતિની તબિયત ખરાબ હતી. તેમને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હતી. જો કે, તેઓ ઘરે જ સારવાર લઈ રહ્યા હતા. આ દરમિયાન 55 વર્ષીય દર્દીનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જે બાદ તેમની હાલત ગંભીર બની હતી. પતિની સ્થિતિ કથળતાં પત્નીએ હોસ્પિટલમાં ફોન કરીને એમ્બ્યુલન્સ બોલાવી હતી.
જો કે, ખાસ્સીવાર સુધી એમ્બ્યુલન્સ ના આવી તો પરિવાર તેમને રિક્ષામાં હોસ્પિટલ લઈ ગયો. પરંતુ ઘરની બહાર નીકળતા જ તેઓ પડી ગયા. આ દરમિયાન મોત થયું. બેંગાલુરુ મહાનગર પાલિકાએ બાંહેધરી આપી છે કે, આ ઘટનાની તપાસ થશે. તો મંત્રી અશોકે કહ્યું કે, આ મામલે કડક કાર્યવાહી થશે.

બેંગાલુરુ મહાનગર પાલિકાના કમિશનર અનિલ કુમાર મૃતકના ઘરે પહોંચ્યા હતા અને એમ્બ્યુલન્સ સમયસર ના પહોંચવાના કારણે પરિવારની માફી માગી હતી. તેમણે આખી કોર્પોરેશન તરફથી માફી માગતા કહ્યું કે, અમે સારું કરી શક્યા હોત પરંતુ અમારાથી ચૂક થઈ. અમે દિલગીર છીએ. અનિલ કુમારે ટ્વિટર પર પણ મૃતકના પરિવાર સાથેની મુલાકાતની તસવીર શેર કરી છે.
Comments
Post a Comment